શનિવાર, 19 ફેબ્રુઆરી, 2011

વાહ પેલી ધારનો લાગે છે

છગનને કીડની ટ્રબલ થયો.દાક્તર કે પેસાબ્ની તપાસ કરાવો.બીજે દીછગન તો મોટો બાતલો ભરી પેથો. લેબ.રસ્તામા પોલેસે પકડ્યો.
” અ” વાહ પેલી ધારનો લાગે છે -લ્યા આ દારુબંધીના વીસ્તરમા આ આવ્દો બાટલો ભરી વીસ્કી લઈ ક્યાં હાલ્યો”
છગનતો શીંયા વીંયા થૈ ગયો.ભાઈ બાપા કરવા માંડ્યો.પણ હવાલદાર શેનો માને ?
“લાવ સાલા બાટલી”
“પણ સાહેબ આતો —” “
“જીભાજોડી કરે છે – જેલમા નાખી દઈશ”
“પણ સાહેબ—”
” પણ ને બણ લવ બાટલી—”
” લ્યો સાહેબ “
જેવો છગન ગ્યો ઈ ભેગા પોલીસ બાટલો ગટ ગટાવી ગયો”

”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહેતો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહેતો ઇશ્વરની પાસે તમે શું માંગશો???” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???” શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસુંછું” તેમના પતિને એક કાગળ આપતાતે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ” તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકેલખ્યું હતું— ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારેતેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમયફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. શિક્ષિકાનીઆંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

ગુરુવાર, 17 ફેબ્રુઆરી, 2011

પાપા પગલી



પાપા પગલી ધૂળની ઢગલીઢગલીમાં ઢેલ જીવે મારી બેનપાપા પડિયા થોડુંક રડ્યાંરડતાં રડતાં આંસુડાં ખર્યાંપાપા પોળી ઘીમાં ઝબોળીચોળીને ખાજો તાજામાજા થાજોતાજામાજા થાજોતાજામાજા થાજો

હાલરડું

હાલા રે વાલા મારા ભઈલાનેહાં...હાં...હાં...હાંભઈલો મારો ડાહ્યોપાટલે બેસી નાહ્યોપાટલો ગયો ખસીભઈલો પડ્યો હસીહાલા રે વાલા મારા ભઈલાનેહાં...હાં...હાં...હાંભાઈ મારો છે સાગનો સોટોઆવતી વહુનો ચોટલો મોટોભાઈ મારો છે વણઝારોએને શેર સોનું લઈ શણગારોહાલા રે વાલા મારા ભઈલાનેહાં...હાં...હાં...હાંહાલા રે વાલા મારી બેનડીનેહાં...હાં...હાં...હાંબેની મારી છે ડાહીપાટલે બેસીને નાહીપાટલો ગયો ખસીબેની પડી હસીહાલા રે વાલા મારી બેનડીનેહાં...હાં...હાં...હાંબેની મારી છે લાડકીલાવો સાકર ઘીની વાડકીખાશે સાકર ઘી મારી બેનીચાટશે વાડકી મિયાંઉમીનીહાલા રે વાલા મારી બેનડીનેહાં...હાં...હાં...હાં

મંગળવાર, 15 ફેબ્રુઆરી, 2011

કોણ વધુ બળવાન?

એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’. ‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’ પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’ આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી. સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુબળવાન. બોલ છે કબૂલ?’ પવને કહ્યું: ‘મંજૂર!’ ‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું. ‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો. પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો. હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી.એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીઘી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે. ઘણી વખત જે કામ બળથી ન થાયતે કેવળ મીઠડું સ્મિત કરીજાય છે!

રીંછે કાનમાં શું કહ્યું ?

એક હતો ગોપાલ અને એક હતો મોહન. મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્નેભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા.મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો. મોહન કહે - ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો? ગોપાલ કહે - તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરાપણ જરૂર નથી. મોહન ફરી બોલ્યો - પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું? ગોપાલ કહે - હથિયારની શુંજરૂર છે ? આપણે બન્ને મોટા અવાજ કરી એને ભગાડી દેશું. બન્ને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલનાં બધાં બણગાં હવામાં ઊડી ગયાં. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો. ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી - મિત્ર, ગોપાલ ! મને બચાવ! પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાંની ઘટામાં સંતાઈ ગયો. મોહનને ઝાડ પર ચઢતાં આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું ? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું.ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું. રીંછના ગયા પછી ગોપાલ ઝાડપરથી નીચે ઊતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું - અલ્યા મોહન ! શું રીંછ તારું સગું થતુંહતું કે શું ? એણે તારા કાનમાં શું કહ્યું ? મોહન કહે - રીંછ મને શિખામણ આપી કે મુસીબતમાં સાથ છોડી જાય તેનો કદી વિશ્વાસ ન કરવો. મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથુંશરમથી નીચું થઈ ગયું.

વહોરાવાળું નાડું

એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે. વહોરાજી દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે. એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા. પટેલ કહે - ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો ? ગાડા ઉપર બેસી જાઓ. પણ, રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે, તમેનાડું બરાબર પકડજો, નહિતરક્યાંક નીચે જમીન પર ઉથલીપડશો. વહોરાજી કહે - પટેલ, સારૂં થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહી !એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને બેઠા. ગાડું આગળ ચાલતાં રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું ને વહોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યાં. વહોરાજીએ તો મોટેથી બૂમ પાડી - અરે પટેલ ! ગાડું ઊભું રાખો. હું પડી ગયો છું. પટેલ જૂએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછયું -કેમ કરતાં પડી ગયા ? તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું ? વહોરાજી જમીન પર પડ્યાં પડ્યાં સૂંથણાનું નાડું બતાવીને કહે - જુઓ તો ખરા,પડી ગયો તોય હજી મેં નાડું છોડ્યું નથી.... પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે સૂંથણાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા - અરે ચાચા ! તમે સૂંથણાનું નાડું પકડી બેઠા છો પછી પડી જ જવાય ને ? મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે ઈ નાડું એટલેકે જાડું દોરડું પકડી રાખવા કહ્યું હતું. તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને ? સૂંથણાનું નાડું તે કાંઈ પકડવાનું હોય ? વહોરાજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને હસતા હસતાં ફરીખરું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા.

ચલ ભંભોટિયા અપને ગામ

એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે. ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે - ડોશી, ડોશી ! તને ખાઉં. ડોશી કહે - દીકરીને ઘેર જાવા દે, તાજીમાજી થાવા દે, શેર લોહી ચડવા દે; પછી મને ખાજે. વાઘ કહે - ઠીક. પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે - ડોશી, ડોશી ! તને ખાઉં. ડોશી કહે - દીકરીને ઘેર જાવા દે, તાજીમાજી થાવા દે, શેર લોહી ચડવા દે; પછી મને ખાજે. સિંહ કહે - ઠીક. વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં સાપ, વરુ વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો. ડોશી તો તેની દીકરીને ઘેરગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ. પછી એકદિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું - માડી ! ખાતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો ? ડોશી કહે - દીકરી, બાપુ ! હું તો પાછી ઘેર જઈશ ને, ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કે…હું પાછી આવું પછીમને ખાજો. દીકરી કહે - અરે માડી ! એમાં તે બીઓ છો શું ? આપણેત્યાં એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો. ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો. રસ્તામાં તેને વાઘ મળ્યો.ભંભોટિયાને જોઈ વાઘ કહે -ભંભોટિયા, ભંભોટિયા ! ક્યાંય ડોશીને દીઠા ? ભંભોટિયો કહે - કિસકી ડોશી, કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. વાઘ તો આ સાંભળી વિચારમાંપડ્યો - માળું, આ શું ? આ ભંભોટિયામાં તે શું હશે ? વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, સાપ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો. કિસકી ડોશી, કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યાં. છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો. ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે - ડોશી ! તને અમે ખાઈએ. ડોશી ! તને અમે ખાઈએ. એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં. પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.

ફુલણજી દેડકો

એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો.તે માનતો કે પોતાનાથી બીજું કોઈ મોટું છે જ નહિ.
દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં નેકૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, 'મા, મા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું.તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું'.
બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, 'હોય જ નહિ મારાથીમોટું બીજું કોઈ હોઈ જ ન શકે!'
ચારે બચ્ચાં કહે, ' ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.'
દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, 'આટલું મોટું પ્રાણી?'
બચ્ચાં કહે, 'ના બાપા હજુ મોટું.' દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું,'આટલું મોટું?'
બચ્ચાં કહે, 'ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.' દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.
ચારે બચ્ચાં બોલી ઊઠયાં, 'ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.'
દેડકો કહે, ' હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.'
દેડકી કહે, ' દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?'
દેડકો કહે, 'મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.' એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું. બિચારો દેડકો ! ખોટું અભિમાન કરી પોતાની તાકાત કરતાં વધુ જોર કરવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો !

ઉંદર સાત પૂંછડિયો

એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.
ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવામોકલ્યો.
નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.
ઉંદર સાત પૂંછડિયો ! ઉંદરસાત પૂછડિયો!
છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.
ઉંદરડીએ પૂછયું - બેટા રડે છે કેમ ?
ઉંદર કહે - મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.
ઉંદરડી કહે - બેટા, એમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.
માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.
ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.
ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !
ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે - મામને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.
મા કહે - કાંઈ વાંધો નહિ. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો. આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તો પણ નિશાળમાં બધાં છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.
ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !
છોકરાઓથી કંટાળીને ઉંદરેઘેર આવી માને પૂછ્યા વિનાછેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી. પછી અરીસામાં જોયું ને બોલ્યો - હવે મારે પૂંછડી જ નથી. એટલે છોકરાઓ મને ખીજવી નહિ શકે.
બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.
ઉંદર બાંડો ! ઉંદર બાંડો !
ઉંદર ઘેર આવી માને ફરિયાદકરી.
ઉંદરડી કહે - બેટા, તારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂછડી તો હોય જ.
ઉંદર રડતા રડતા બોલ્યો - મા, ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે.
મા વિચાર કરીને કહે - જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ તો.
ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી.
માએ ખૂબ મહેનત કરી ઉંદરનેતેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાંઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ. ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા !

સાબરનાં રૂપાળાં શીંગડાં

એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ.
કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ ! કેવાં સુંદર મારાં શીંગડાં છે ! માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે ! પણ મારા આપગ કેવા પાતળા ! મને એ બેડોળ કરી મૂકે છે, એનું જમને દુઃખ છે.
પોતાના મોટા શીંગડાના અભિમાનથી તે પોતાના બીજાં સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું. તેના સાથીઓનાં નાનાં શીંગડાં જોઈ તેની ઠેકડી ઉડાવતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજેતે પહેલાં વાવાઝોડાં માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા.
સાબર તો છલાંગ મારતું જાયનાઠું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવાસાબર આગળ ને આગળ દોડ્યે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી. તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું. સાબરે જોયું કે એનાં શીંગડાં એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં છે. તેણે ડાળીઓમાંથી શીંગડાંકાઢવા ખૂબ મહેનત કરી પણ તેનાં વાંકાં ચૂકાં શીંગડાં એવા ભરાઈ ગયા કે તે નીકળ્યાં જ નહિ. સાબરને થયું, મારા આ દૂબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા ને ! તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું. પણ મને જે શીંગડાંનું અભિમાન હતું. એ શીંગડાં જ મારાં શત્રુ બન્યાં. જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ.
આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસિબે શીંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગનીમદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું.

ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ

એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી.
ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે - સાંભળ્યું કે ? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય.
પટલાણી કહે - એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.
પટેલ કહે - તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં ? એમ છાશ નહિ અપાય.
પટલાણી કહે - નહિ કેમ અપાય ? અપાશે ! ઘર તો મારું ય છે ને ? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ તો મારાં પિયરિયાંને !
પટેલ કહે - જોયો છે આ ડંગોરો !
પટલાણી કહે - તમારાં સગાંને આપો !
આમ કરતાં વાત વધી પડી ને પટેલ-પટલાણી લડી પડ્યાં !
એક તો બેઉ અજડ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યાં !ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યાં. બધાં પૂછે - છે શું, પટેલ? આ શું માંડ્યું છે ?
પટલાણી ફરિયાદ કરતાં કહે - જુઓ તો બાપુ, આ વાંસામાંસોળ ઊઠ્યા છે તે ! પટેલનો કાંઈ હાથ છે. મને ઢીબી નાખી !
પટેલ કહે - તે કો’કની જીભ ચાલે, ને કો’કનો હાથ ચાલે!
પાડોશી પૂછે - પણ છે શું ?કજિયો શાનો છે ?
પટલાણી કહે - અમારો કજિયોતો છાશનો છે. પટેલ કે’છે કે, છાશ તારાં પિયરિયાંનેનહિ ! તે નહિ શું કામ ? દૂધ ભલેને એનાં સગાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ ? એ મારે નહિ ચાલે !
ત્યાં તો પાછા પટેલ ખિજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યું : અરે, ભેંશ તો હજી ભાગોળે છે, છાશ છાગોળે આવી નથી ને આ ધમાધમ શાની ?
વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે - પટેલ, પટેલ ! વઢવાડ તમે પછી કરજો. પહેલાં મારું નૂકશાન ભરપાઈ કરો. આ તમારી ભેંશે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! આમ તમારાં ઢોર રઝળતાં મૂકી દેતાં શરમાતા નથી ?
પટેલ કહે - અરે પણ ! મારી પાસે ભેંશ વળી ક્યારે હતીતે તમારી વંડી પાડી નાખે? વાણિયો કહે - ત્યારે તમે કઈ ભેંશની છાશ સારું લડો છો ?
પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં પોતાના કામે લાગી ગયાં.

ભણેલો ભટ્ટ

એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા.
ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા.
ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાંપણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે.
ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે - ભટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખાં તો લેવાં જોઈએ ને, કે ભટજી કેવુંક જાણે છે ?
સૌએ ભેગા થઈ ભટજીને પૂછ્યું - ભટજી ! અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તકઅને પોથીનાં પાનાં મૂકીને અહીંથી ચાલ્યા જાઓ.
ભટ કહે - પૂછો ત્યારે.
એક માણસે પૂછ્યું - ભટજી !‘તુંબહ તુંબા’ એટલે શું ? ભટજી તો ભારે વિચારમાં પડી ગયા.
પોથીપાનાં જોઈ વળ્યા પણ ક્યાંય ‘તુંબહ તુંબા’ જડે નહિ. ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા. ગામડિયો કહે - ભટજી ! ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહિ અપાય. તમારા જેવા તો ઘણાંએ આવી ગયાં, પણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યો, હવે પુસ્તકપાનાં અને પોથીઓ અમને સોંપી દો. ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. બિચારા વીલે મોઢે ઘેર પાછા આવ્યા.
એને એક ભાઈ હતો. ઝાઝું ભણેલોગણેલો નહિ, પણ કોઠાવિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે - ભાઈ ! એવા અજડ ગામમાં તમારું કામ નહિ, ત્યાં તો અમારા જેવા જોઈએ; એનું માથું ભાંગે એવા.
આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં. જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથેટકોમૂંડો કરાવ્યો. મૂંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટજીને દેખીનેરાજી રાજી થઈ ગયા ને એક બીજાને કહે - વાહ, આ ભટજી તો લાગે છે ય ખરા ભટજી જેવા. આવા હોય તો કાંઈક બેઅક્ષર શાસ્તરના જાણવા તો મળે !
પણ તો ય બધાં કહે - પારખાંતો લેવાં જ જોશે. એમ ને એમકાંઈ કથા વાંચવા નહિ બેસાડાય. એક જણ કહે - ભટજી! પધારો. એક ભટજી પુસ્તકપાનાં મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારીય તે હમણાં ખબર પડશે.
ભટજી કહે - એ ભટ નોખા ને આ ભટ નોખા. અમે તો કહેવાઈએ ભાગડ. આ માથે કેવું ટીલું કર્યું છે અને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ ! ગામનો પટેલ કહે - ત્યારે જવાબ આપો જોઈએ. ‘તુંબહ તુંબા’ એટલે શું ?
આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડ કામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ કહે - ભાઈ ભૂલ્યા. પૂરો સવાલેય ક્યાં પૂછતાં આવડે છે ? તો સાંભળો પહેલાં તો હોય
ખેડમ્ ખેડા
પછી વાવમ્ વાવા
પછી ઉગે વેલમ્ વેલા
પછી આવે ફૂલમ્ ફૂલા
ને પછી થાય તુંબહ તુંબા. બધા કહે - એલા, આ ભટજી સાચા; કેટલું ગનાન છે ! જોયું બરાબર કળી ગયા. ઓલ્યા આગળ આવ્યા'તા ઈ ભટને તો બોરના ડીંટિયા જેટલુંય નો આવડે, ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા !
ભટજીને આખા ગામે વખાણ્યા.બધા કહે - ભટ ભારે, ભટ ભારે, ભટ ભારે ! ભટ તો છે કાંઈ જાણકાર ! બધી વાતની એને સમજ પડે !
ભટને તો ગામ આખાયે જમાડ્યા. પોથી-પુસ્તક પાછાં આપ્યાં ને સારી એવીશીખ આપીને વિદાય કર્યા.

સસોભાઈ સાંકળિયા

એક હતું શિયાળ અને એક હતોસસલો.
બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઈ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાંબે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતોલોઢાનો. શિયાળ કહે - હું ચામડાને રસ્તે ચાલું. પછીશિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો.
લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ગાંઠીયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું નેપછી લાંબા થઈને મઢીનાં બારણાં બંધ કરીને સૂતા. એટલામાં બાવો આવ્યો ને મઢીનાં બારણાં બંધ જોઈ બાવાએ પૂછયું - એ, મારી મઢીમાં કોણ છે ? અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું ! બાવો તો બીને નાઠો. ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઇને બોલ્યો - બાવાજીની ઝૂંપડીમાં કોણ છે ? અંદરથી રોફ કરી ફરી સસાભાઈ બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ પટેલ,
નીકર તારી પટલાઈ તોડી નાખું ! પટેલ પણ બીને ભાગી ગયો. પછી પટેલ મુખીને તેડીને આવ્યો.
મુખી કહે - કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં ? સૂતાં સૂતાં સસલાભાઈએ રોફબંધ કહ્યું-
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ મુખી,
નીકર તારું મુખીપણું તોડી નાખું ! આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધાં ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા ને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયાપેંડા ખાવાનુંમન થયું. તે કહે - ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ.
સસલો કહે - ઠીક, જાઓ ત્યારે; લ્યો, ગાંઠિયાપેંડાનો સ્વાદ ! શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા - મારી મઢીમાં કોણ છે ? શિયાળે હળવેકથી કહ્યું - એ તો શિયાળભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું ! બાવાજી તો સાદ પારખી ગયા એટલે કહે - ઓહો, આ તો શિયાળ છે! પછી બાવાજીએ બારણાં ખેવડ્યાં અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ માર માર્યો.
શિયાળભાઈને ગાંઠિયાપેંડાઠીક ઠીક મળ્યાં !

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી

એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.
એક દિવસ પોપટને એની મા કહે - ભાઈ, કમાવા જા ને !
પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.
આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહૂકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે -
એ ભાઈ ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ ! મારી માનેએટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે ગોવાળ કહે - બાપુ ! આ ગાયોરેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં ? તારે જોઈતી હોય તો આમાંથીએક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી.
થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે -
એ ભાઈ ભેંશોના ગોવાળ, ભાઈ ભેંશોના ગોવાળ ! મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે ભેંશોનો ગોવાળ કહે - બાપુ! મારાથી તો કહેવા નહિ જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાના થડે બાંધી.
થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -
એ ભાઈ બકરાંના ગોવાળ, બકરાંના ગોવાળ ! મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે બકરાંનો ગોવાળ કહે - અરે બાપુ ! આ બકરાં રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહિ જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરાં લઈ લે. પોપટે તો બે-ચાર રૂપાળાં બકરાં લઈ લીધાં ને આંબાના થડે બાંધી દીધાં.
વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. ઘેટાંના ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટાં આપ્યા.
પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટનેએક સાંઢિયો આપ્યો.
પછી પોપટ તો ગાય, ભેંશ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યા એટલે એને તો ઘણાં બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુ-રૂપું લીધું ને તેનાઘરેણાં ઘડાવ્યાં.
પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા; બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -
મા, મા !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે. મા બિચારી આખો દિવસ ઘરનુંકામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહિ. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણાં ઉઘાડ્યાં નહિ. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -
કાકી, કાકી !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે. કાકીએ તો સૂતાં સૂતાં જ સંભળાવી દીધું - અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે -
બહેન, બહેન !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે. બહેન કહે - અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથીહોય ? ભાગી જા ! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટતો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાંવહાલાંને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહિ.
છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતાં હતા.
મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે - આવી ગયો, મારા દીકરા ! આ આવી; લે બારણાં ઉઘાડું છું, બાપુ ! પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુખણાં લીધાં.
પછી તો મોટીબાએ પોપટ માટેપાથરણાં પથરાવ્યાં, ઢોલીડાં ઢળાવ્યાં ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવ્યાં. પછી કહે - દીકરા ! જરા અહીં બેસજે, હોં. હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂઉંઉંઉં કરતી વાગવા માંડી.
પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધાં રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા.
શરણાઈ સાંભળતાં સાંભળતાંપોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા - ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા.