રવિવાર, 24 નવેમ્બર, 2013

અકબર-બિરબલ હજૂર, હું તમારો સેવક છું…







એક વખત અકબર અને બિરબલ શાહી બગીચામાં ફરતા હતા.

અકબર તે દિવસે બહુ ખુશમિજાજ હતો.તેણે રીંગણનો એક છોડ બતાવી કહ્યું;"બિરબલ,રીંગણ એક એવી વનસ્પતિ છે કે જે મને ખૂબ જ ગમે છે.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને એમ લાગે છે કે તે બહુ જ સારો છોડ છે." બિરબલ બોલ્યો;"હા,હજૂર.તમારું માનવું બરાબર છે. તે બહુ જ સારી વનસ્પતિ છે.રીંગણના શાકનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને તે બધાને ગમી જાય તેવી વનસ્પતિ છે.એટલે જ ભગવાને તેનૅ લીલા રંગનો મુગટ પહેરાવ્યો છે."આ વાત પછી થોડા દિવસ પસાર થઈ ગયા.વળી એક દિવસ અકબર અને બિરબલ તે જ શાહી બગીચામાં લટાર મારતા હત અકબર રીંગણના છોડને જોઈને બોલ્યો;"બિરબલ,આ છોડ સાવ નકામો છે.મને તેનો રંગ જરા ય ગમતો નથી.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને લાગે છે કે તેનો સ્વાદ સાવ જ ખરાબ હશે." બિરબલ બોલ્યો;"હા,હજૂર. તમે બિલકુલ બરાબર કહો છો.રીંગણ સાવ જ સ્વાદ વગરના હોય છે.એટલે જ તેનું નામે "બેંગન"(હિન્દી ભાષામાં)બેંગુન…એટલે કે ગૂણ વગરના" છે…..તેનામાં કોઈ પૌષ્ટિક ગુણો હોતા નથી."અકબર એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો;"બિરબલ,તું તારા પોતાના વિચારો કેમ નથી જણાવતો?હું બોલું તેમ જ કેમ બોલે છે? થોડા દિવસ પહેલાં તો તુ એમ કહેતો હતો કે રીંગણ બહુ સારો છોડ છે. અને આજે કહે છે તે ખરાબ છોડ છે.આમ કેમ્?"બિરબલ ખૂબ જ નમ્રતાથી બોલ્યો;"હજૂર,હું તમારો સેવક છું.તમે મારા માલિક છો.તમને ખુશ કરવા તે મારો ધર્મ છે.તમને ખુશ રાખું તો તમે મારી કદર કરશો.રીંગણના છોડને ખુશ રાખવાથી મને કોઈ ફાયદો થવાનો નથી.રીંગણનો છોડ મારો માલિક નથી."અકબર બિરબલના જવાબથી ખુશ થઈ ગયો.તેની નીડરતા,ચતુરાઈ અને હાજર જવાબીપણું જોઈ તેને આનંદ થયો.તેણે બિરબલને પોતાના ગળામાંથી હાર કાઢી ઈનામમાં આપ્યો.

Sent from my h.mangukiya

અકબર-બિરબલ પ્રામાણિકતાની કસોટી



એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ"રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ." અકબર રાજા બોલ્યાઃ"મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે.તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે.બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે  તે ખાલીખાલી કાંઈ ના કહે.મારે જણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં?
                        તેમણે બિરબલને બોલાવીને કહ્યું;"બિરબલ, રાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે.તું કાંઈ યોજના બનાવ." બિરબલ કહેઃ" ભલે હું કાલે વિચારીને કહીશ."
              બીજા દિવસે બિરબલ રાજાને કહેઃ"રાજાજી, એમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાંખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક એક લોટો દૂધ્ તળાવમાં નાંખી આવે. આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે." રાજા કહેઃ"આ કામ ને અને પ્રામાણિકતાને શો સંબંધ છે?" બિરબલ બોલ્યોઃ"તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ."
             રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું. લોકો તો વિચારમાં પડી ગયા.પછી થયું"રાજા, વાજા ને વાંદરા..મનમા કંઈ તુક્કો આવ્યો હશે.."
દરેક માણસે વિચાર્યું"બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જનાંખવના છે ને? લાવને હું એક લોટો પાણી જ નાખું." અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા.દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાંખ્યુ હશે.
             સવારે બિરબલ કહે:" ચાલો રાજાજી, તળાવ જોવા જઈએ.દૂધથી ભરેલું હશે." રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું!! બિરબલ કહેઃ'જોયું ને રાજાજી, લોકો કેટલા પ્રામાણિક છે?" રાજા બોલ્યાઃ"બિરબલ, તેં એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાંખવા જાય?"બિરબલ કહેઃ"રાજાજી, દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે."રાત્રે અંધારામાં ખબર ના પડે."
                 રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો.રાજ્યમાં લોકોઅપ્રામાણિક બની ગયા હતા. તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા.


Sent from my h.mangukiya

અકબર બિરબલબાજરીનું દોરડું




અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઇર્ષા કરતા. એક દિવસ બધાએ  ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું. તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા.દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો.

મહાવત તો રાજા પાસે  ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો. રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેંપ ઇલાજ કરવા કહ્યું. રાજવૈદે પણ તેને સમ્જાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડૂંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે.

અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડૂંડામાંથી દોરડું વણી લાવશે તેને 1000 સોનામહોરો આપવામાં આવશે. બધા જ વિચારમાં પડી ગયા. અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો. પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિષે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા. કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય. બધા મૂંઝાયા.

પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે. બધા કેમે ગભરાઓ છો  અકબર પણ તરત બોલ્યા હા…..હા… બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમણે બિરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે. તે તો ઘણો જ ચાલક હતો તે બોલ્યો જહાંપનાહ મને દસ મિનિટનો સમય આપો. રાજા બોલ્યા ભલે… બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો દોરડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ ચાળણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં.

રાજાએ પેલા દરબારી નેતાને ચાળણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું. નેતા દરબારી તો રડમસ થઈ ગયા. તેમણે કહ્યું બાદશાહ આ તો અશક્ય જ છે. ચાળણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું

બિરબલ બોલ્યો જહાંપનાહ આતો મને ફસાવવાની એક યુક્તિ છે.

રાજા સમજી ગયો તેણે દરબારીને સજા ફરમાવી. દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો. મહાવત રાજવૈદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી.

બધાએ બિરબલની ચતુરાઈનાં વખાણ કર્યા. રાજાએ બિરબલને 1000 સોનામહોરો આપી.

Sent from my h.mangukiya

અપશુકનિયાળ મોંઢું


શેઠ હુકમચંદ જમવા બેસતા હતા.સોનાની થાળી અને સોનાના વાટકા,સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ…કારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા.જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો(પંખો) પકડી શેઠની સેવામાં હાજર હતા.દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા-"શેઠ,ચાલો રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો.માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડો."

હુકમચંદશેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો પણ શું કરે???આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને???શેઠ તો ચાલ્યા. રાજ દરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસાથી દ્રુજતા હતા, આંખો લાલચૉળ હતી. હુકમચંદશેઠ ને જોઇને બોલ્યા. આ માણસને હાલને હાલ ફાંસી આપો. હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો છે???પણ રાજા આગળ કશું જ બોલી શકાય થોડું??? સેવકો તેમને ફાંસીના માંચડા પાસે લઈ ગયા. કેટલાક શાણા માણસો હતા તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે. પણ રાજાને સમજાવે કોણ???બધએ કહ્યું બિરબલને મળો .તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે. બે-ચર જણ દોડ્યા બિરબલ પાસે અને બધી વાત કરી.બિરબલ બોલ્યા-"કશો વાંધો નહીં .તમે તમારે જઓ અને હું બાદશાહને સમજાવું  છું"બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યા" નામદાર, આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માંચડે લટકાવવાનું કહો છૉ???"અકબર બોલ્યા-"બિરબલ તું વચમાં બોલીશ જ નહીં. આ અપશુકનિયાળ માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં. આજે સવારે સૌથી પહેલું મોઢું મેં તેનું જોયું અને બધું ખરાબ જ બન્યું છે.સવારમાં જ હું કઢેલું દૂધ પીવા જતો હતો તો તે મારા કિંમતી પોશાક પર ઢોળાયું. પછી તૈયાર થઈ દરબારમાં જતો હતો ત્યાં સમાચાર આવ્યા કે બેગમના ભાઈ ગુજરી ગયા છે એટલે ત્યાં જવું પડ્યું. આવીને જમવા બેઠો તો ભોજનમાં ઉપરથી ગરોળી પડી, હજી આ પૂરું થયું ન હતું ત્યાં સમાચાર આવ્યા કે પાડૉશી રાજ્યાના રાજા યુધ્ધ કરવા આવ્યા છે એટલે ત્યાં દોડવું પડ્યું…."મારે આ માણસનું અપશુકનિયાળ મોંઢું મારા રાજ્યમાં જ ના જોઇએ."બિરબલ હુકમચંદશેઠ પાસે ગયો અને તેમને કાનમાં કાંઇક કહ્યું. પછી રાજા પાસે આવીને બોલ્ય,'જહાંપનાહ, ભલે તમારી જેવી મરજી. રાજા હુકમ આપે પછી કોઇથી કશું બોયાય ખરું???  પણ મારી એક નમ્ર વિનંતી છે કે ફાંસી આપવાની હોય ત્યારે માણસ્ને તેની અંતિમ ઈચ્છા તો પૂછવી જ જોઈએ."અકબર બોલ્યા," બોલ શેઠ, તારે શું કહેવું છે??"હુકમીચંદ બોલ્યા,'નામદાર, હું શું કહું??? તમે મારું અપશુકનિયાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની. તે બદલ હું દિલગીર છું . પણ મને વિચાર આવે છે કે મેં તો તમારૂં જ મોંઢું જોયું હતું અને મને ફાંસી મળી. હવે આપ જ કહો વધારે કે અપશુકનિયાળ મોંઢું કોનું????"રાજ તો વિચારમાં પડી ગયા. પ્છી હસતા હસતા બોલ્યા,"છોડી દો ષેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો."બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા,"બિરબલ, તું નાહોત તો આ ગુણવાન શેઠને ગુમાવત. તેં મારઇ અને રાજ દરબારની લાજ રાખી. તારો ખૂબ ખૂબ આભાર."



Sent from my h.mangukiya

મંગળવાર, 19 નવેમ્બર, 2013

વાર્તા - ચાલો દિલદાર ચાલો


   
- માનસી અને મંથન વચ્ચે ગાઢ સંબંધ બંધાતો ચાલ્યો. કોલેજમાં બંને કાયમ સાથે જ રહેતાં. દોસ્તો તેમને કોલેજની રોમિયો-જુલિયટની જોડી સાથે સરખાવતા અને એ જ નામે બોલાવતાં.









કોલેજના નાનકડા બાગમાં મંથન બેઠો હતો. તેની નજર ખાલીખમ હતી. ક્યારેક ઝાડવાં તરફ તો ક્યારેક આકાશમાં ઊડતાં પંખી  તરફ તેની નજર જતી હતી. સાંજે ગુલમહોર પર કબૂતરનું જોડું પ્રેમમાં  મશગૂલ હતું.
મંથન તેને જોઈને વિચારી રહ્યો હતો કે  ક્યારેય માનસી સાથે તેને આવી રીતે  ગપસપ કરવાની તક મળશે ખરી?
માનસી તેની કોલેજમાં સૌથી સુંદર છોકરી હતી. જ્યારે તે દાદરનાં પગથિયાં ચડતી ત્યારે ઊંડા અને ઝડપથી ચાલતાં શ્વાસના કારણે ઊંચે નીચે થતી છાતીનો ઉભાર મંથનના હૈયામાં ઉલ્કાપાત મચાવતો હતો.
રાત્રે સૂતી વખતે તે કલ્પના કરતો કે માનસી તેની બાહોમાં છે અને સવારે ઊઠતાંની સાથે જ સૌપહેલાં તેનું નામ યાદ કરતો.
ગઈકાલે તો સાહસ કરીને તેણે માનસીના પુસ્તકમાં પોતાનો પ્રેમપત્ર મૂકી દીધો. હવે શું થશે? તે વાંચશે? ફાડીને ફેંકી દેશે? ગુસ્સો કરશે? તેવા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં પાછળથી કોઈએ તેની આંખ પર હાથ મૂકી દીધો.
''કહે, હું કોણ છું?'' કોયલ જેવો અવાજ સાંભળીને તેણે પાછું વળીને નજર કરી તો આંખ પર વિશ્વાસ ન બેઠો. તેને થયું કે તે કશું સપનું તો નથી જોઈ રહ્યો ને?
પોતાના સપનાની રાણીને સામે જોઈને તેની જીભ જ જાણે સિવાઈ ગઈ.
''આજે તું ક્લાસમાં કેમ ના આવ્યો?'' માનસીએ પૂછ્યું.
''મન નહોતું.''
''જવા દે લે. આ પુસ્તક.'' આમ કહી માનસી પુસ્તક આપીને ચાલી ગઈ.
મંથનનું દિલ ધડકી  ઉઠયું. પુસ્તક ઉઘાડીને જોયું તો તેમાં એક રંગીન પત્ર દેખાયો જેમાં લખ્યું હતું.
''હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારા વિના જીવી શકું તેમ નથી. અત્યાર સુધીની તારા તરફની મારી ઉપેક્ષા તો પ્રેમની પરીક્ષા રૃપે  હતી. હરપળે તારો ચહેરો મારી નજર સામે જ રહે છે.''
તેણે પત્રને વારંવાર વાંચ્યો.  મોતી સમાન તે કિંમતી હતો. કેટલી હિંમત ભેગી કરીને માનસીએ તેના પ્રેમની મુલાકાત કરી હતી. તેના એકરારમાં અને માદક શરીરમાંતે ખોવાતો જતો હતો.
માનસી અને મંથન વચ્ચે ગાઢ સંબંધ બંધાતો ચાલ્યો. કોલેજમાં બંને કાયમ સાથે જ રહેતાં. દોસ્તો તેમને કોલેજની રોમિયો-જુલીયટની જોડી સાથે સરખાવતા અને એ જ નામે બોલાવતાં.
પ્રેમમાં ડૂબેલાં માનસી-મંથન ક્યારે એકબીજાની શારીરિક સીમા ઓળંગી ગયા એનું બેમાંથી એકને પણ ભાન રહ્યું નહીં. પરિણામે માનસીને ગર્ભ રહી ગયો. આટલી જલદી આવડી મોટી જવાબદારી માટે મંથન જરાયે તૈયાર નહોતો. તે ધીમે ધીમે દૂર થતો ગયો.
મંથનનું મન હવે માનસીથી ભરાઈ ગયું હતું. પ્રેમ તો ખાલી કહેવાની વાત હતી. મંથન જેવા નિર્લજ્જ છોકરાઓ કોઈપણ યુવતીને તેના શરીર સાથે રમવા સુધી જ પ્રેમ કરતાં અને પછી છોડી દેતાં.
જ્યારે માનસીએ મંથનને પોતાના ગર્ભ રહ્યાની વાત કરી અને તરત લગ્ન કરી લેવાં જોઈએ તેમ કહ્યું ત્યારે મંથને કહ્યું, ''ઠીક છે. હું મારા પપ્પા સાથે વાત કરી જોઈશ.''
માનસી રોજ આ સવાલ મંથનને પૂછતી. એક દિવસ તેનાથી રહેવાયું નહીં. તેણે ક્હયું, ''હવે હું વધારે દિવસો વાટ જોઈ શકું તેમ નથી. મારું પેટ ફૂલવા લાગ્યું છે. લોકોે હવે ગુસપુસ વાતો કરશે અને મારું જીવવાનું દોહ્યલું બની જશે. હવે તું જલદી કંઈ નિર્ણય લે.''
મંથન બોલ્યો, ''મેં પપ્પા સાથે વાત કરી હતી. તેમણે લગ્ન કરવાની ના કહી છે. તેમનું કહેવું છે કે  જ્યાં સુધી હું પગભર ન થાઉં ત્યાં સુધી કરાય નહીં.તું શા માટે ગર્ભપાત નથી કરાવી લેતી? હંું તેનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવવા તૈયાર છું.''
આ સાંભળીને માનસી ગુસ્સામાં આવી વિફરી બેઠી, ''તે પ્રેમ કરતાં પહેલા ંતારા પપ્પાની રજા લીધી હતી ખરી?તું એમ કેમ નથી કહેતો કે મારી મા તને દહેજ આપી શકે તેમ નથી એટલા માટે તું લગ્ન કરવા તૈયાર નથી. મને મેળવવા માટે તે માત્ર પ્રેમનો ઢોંગ કર્યો હતો. તે પ્રેમ જેવા પવિત્ર સંબંધને અભડાવ્યો છે.''
''હા, તને પામવા માટે મેં પ્રેમનું નાટક કર્યું હતું. મને શું ખબર કે વાત આટલે સુધી પહોંચી જશે? હું તો આને માત્ર રમત સમજતો હતો.'' મંથને ખંધાઈ ભરેલું હાસ્ય ચહેરા પર લાવી કહ્યું, ''રહી તારા લગ્નની વાત તો હું તારા લગ્ન એક એવા છોકરા સાથે કરાવી શકું તેમ છું, જે સરકારી નોકરી કરે છે, પરંતુ પોલિયાના શિકાર છે એટલે અત્યાર સુધી તેના લગ્ન થઈ શક્યાં નથી નહીં તો તેને ખાસું દહેજ પણ મળી શકત. બોલ... બોલ... તારી શું ઈચ્છા છે?''
આ સાંભળીને  માનસી એનો મિજાજ ગુમાવી બેઠી. તેણે મંથનને ઝૂડી નાખ્યો. તેને મારતાં મારતાં કહેવા લાગી, ''શું તું પ્રેમને મજાક સમજે છે. તું કેવો પુરુષ છે જે પોતાની પ્રેમિકાના લગ્ન બીજા પુરુષ સાથે કરાવવા ઈચ્છે છે. ધિક્કાર છે તને.'' તે રડતી રડતી  ચાલી ગઈ. માનસી એક એવા નાના ગામની છોકરી હતી જ્યાં લોકો છોકરીઓનાં ભણતરને સારી નજરે જોેતા નહોતા. માનસીના પપ્પા તો હયાત નહોતા. છતાં ગામથી દસ કિલોમીટર દૂર સાઈકલ પર કોલેજ ભણવા જતી હતી.  લોકોએ તેની માને ખૂબ સમજાવેલી, પરંતુ માનસી  જુવાન છોકરી છે. ક્યાંક કૂંડાળામાં પગ પડી જશે તો લગ્ન કર્યા વિનાની રહી જશે. વળી ભણીગણી ને તે કરશે શું? આખરે તો તેને ઘર જ સંભાળવાનું છે ને?'' માનસીની મા આવી વાતો પર હસી  દેતી. જ્યારે માનસીના પપ્પાનું અવસાન થયું હતું ત્યારે માનસીની મા કુસુમ પુત્રીના ઉજ્જવળ ભાવિ માટે રૃઢી તોડી ગામની સરકારી શાળામાં નોકરી કરવા લાગી હતી. કુસુમના ચારિત્ર્ય અંગે ગામમાં અનેક પ્રકારની વાતો થતી રહેતી, પરંતુ તેણે કોઈ તરફ ધ્યાન આપ્યું નહોતું.
માનસી નાનપણથી જ એ નિશાળમાં ભણી હતી. નવિન એ જ નિશાળનો તેજસ્વી વિદ્યાર્થી હતો.વિધવા સુધાનો એકનો એક દીકરો હતો. સુધા એ જ શાળામાં સાફસફાઈનું કામ કરતી હતી. નવિન અને માનસી બાળપણના મિત્રો હતા. નવિન કાયમ માનસીને ઘેર જઈને રમતો હતો.
એક દિવસ માનસીના ઘરમાં બાળકો 'રાજા...રાજા'ની રમત રમી રહ્યાં હતાં. નવિન રાજા બન્યો હતો માનસી મંત્રી બની હતી. આ રમતમાં  શાસ્ત્રી  શંભુનાથનો દીકરો પણ રમતો હતો તે સિપાઈ બન્યો હતો. રમતરમતમાં તેને વાગ્યું અને મોટે મોટેથી રડવા લાગ્યો.
જ્યારે શંભુનાથે આ વાતની જાણ થઈ તો તે મિજાજ ગુમાવી નવિનને મારપીટ કરવા લાગ્યો. આ જોઈ ત્યાં લોકો એકઠાં થઈ ગયાં. બધા તમાશો જોવા લાગ્યાં.
શંભુનાથ ગાળોનો વરસાદ વરસાવી નવિનને મારતો હતો, ''હરામખોર, રાજા બને છે બ્રાહ્મણના છોકરાં સાથે રમે છે. તારા બાપદાદા તો અમારા પગે પડતા હતા. હવે તું અમારી બરાબરી કરવા માંગે છે.''
ત્યાં હાજર રહેલા લોકો એટલા માટે મૂંગા રહી ટેકો આપતા હતા કે નીચલી જાતિનાં બાળકોએ બ્રાહ્મણનાં બાળકો સાથે રમીને જાણે મોટો ગુનો કર્યો હતો. નવિન બેભાન થઈ ગયો હતો. એકઠા થયેલા લોકોએ નક્કી કર્યું કે સાંજે પંચાયતમાં તેના અપરાધની સજા નવિનની મા સુધાને કરાશે.
મારપીટને લીધે નવિનની હાલત જોઈ કુસુમ અને માનસી રડવા લાગ્યાં હતાં. થોેડીવારમાં નવિનને ભાન આવ્યું. એ સમયે તેની મા દોડતી ત્યાં આવી.
દીકરાને જોઈ તેની હાલત વિચિત્ર બની ગઈ હતી. માને જોઈ નવિનની આંખમાં આંસુ આવી ગયાં, પરંતુ તે મૂંગો રહ્યો તેની મૂંગી નજરમાં મા સામે  સવાલ ઉઠતા હતા કે તેનો અપરાધ કયો હતો? પરંતુ સુધા પાસે કશો જવાબ નહોતો.
સાંજ થવા આવી. સુધાએ દીકરાને શરીર પર હળદર મધ લગાવીને સુવડાવી દીધો હતો. એ સમયે શાસ્ત્રી શંભુનાથ આવ્યો. તેણે સુધાને કહ્યું, ''આજે તારે પંચાયત સમક્ષ હાજર થવાનું છે.''
સુધા ચૂપચાપ સાંભળી રહી. સુધાને એકલી જોઈ શાસ્ત્રી થોડો નરમ બન્યો અને બોલ્યો, ''આજે પંચાયત તને તારા દીકરાના અપરાધ માટે સજા આપશે. પણ હું ઈચ્છુ તો તને દંડમાંથી છોડાવી શકું તેમ છું.''
શાસ્ત્રી તક જોઈને  સુધાની નજીક અડીને બેસી ગયો. તેણે હસીને તેના ખભા પર હાથ મૂકી, સુધાના કાનમાં જે વાત કહી તે ગરમ લાવારસ જેવી હતી. તેના આખા શરીરમાં આગ લાગી ગઈ.
તે ઝડપભેર હાથ છોડાવીને ભાગી, પરંતુ શાસ્ત્રીએ તેને પકડી, તેના ગાલ પર પોતાના હોઠ ચાંપી દીધાં. તેનો એક હાથ સુધાના શરીરના ચોક્કસ અંગોને ફંફોળવા લાગ્યો, જે તેની સાડીના મેલા એવા છેડા પાછળ હતા. એ જ સમયે સુધાના ઘરમાં ખખડાટ સાંભળી કિસને બૂમ મારી, ''શું છે સુધા?''
બૂમ સાંભળતા જ શાસ્ત્રી ઝડપભેર બહાર નીકળી ગયો. સુધા કપડાં ઠીક કરવા લાગી. તે ઝડપથી ચાલતા શ્વાસને કાબૂમાં લઈ બોલી, ''કશું નથી.''
પંચાયતમાં આખું ગામ ભેગું થયું હતું. સુધા જમીન પર બેઠી હતી. તેની નજરમાં સૂનકાર હતો. શાસ્ત્રી શંભુનાથ અને પંચાયતને તે જોેતી હતી. પંચાયતનું કામ શરૃ થયું. પોતાની હરકતમાં નિષ્ફળ ગયેલાં શંભુનાથે સુધાને ૫૦૦ રૃપિયા દંડ તથા તેના ઘરમાં એક વરસ સુધી મફતમાં કામ કરવાની સજા સંભળાવી.
પંચે કુસુમને પણ ચેતવણી આપી કે જોતે જાતપાત જોયા વિના ગમે તેવી નિશાળામાં ભણાવવાનું બંધ નહીં કરે તો તેને ગામમાંથી હાંકી કાઢવામાં આવશે.
તેણે સુધાને ચેતવણી આપી કે હવે તે નવિનને બ્રાહ્મણનાં બાળકો સાથે રમવા જવા નહીં દે. આમ માનસી અને નવિન અલગ પડી ગયાં.
પહેલાં સુધાને લોકોનાં ઘરોમાં અને નિશાળમાં કામ કરવા માટેની મજૂરીનું કામ મળતું હતું. તેમાંથી તેને બે ટંકના રોટલા મળી રહેતા હતા. સાથે નવિનના ભણતરનો ખર્ચ પણ કાઢી લેતી હતી, પરંતુ હવે તો શાસ્ત્રીના ઘરે કામ કરવાથી તેને માત્ર સાંજનું  ખાવાનું મળતું હતું. નવિનનું ભણવાનું અટકી ગયું. હવે તે ઈંટના ભઠ્ઠામાં કામ કરવા લાગ્યો હતો.
માનસી હવે બાજુના ગામની નિશાળમાં જવા લાગી હતી. સરકારી નિશાળમાં ભણાવવાનું બંધ થતાં કુસુમને હવે ખેતી પર આધાર રાખવો પડતો હતો. પરંતુ તે ગમે તે ભોગે પોતાના બાળકને ભણાવવાની ઈચ્છા રાખતી હતી.  તેનું સપનું હતું કે તેની દીકરી ડોક્ટર બને.
માનસી મેટ્રિકની પરીક્ષા પાસ કરી શાળામાં પ્રથમ નંબરે આવી. નજીકના શહેરની કોલેજમાં મંથન તેના જીવનમાં સુખનાં  વાદળ લઈને આવ્યો, એ જેટલી ગતિથી આવ્યો હતો તેનાથી  બમણી ગતિથી દુઃખ આપી ચાલ્યો ગયો.
માનસીને હવે પોતાનું જીવન નકામું લાગતું હતું. ગામના લોકો તેને જોઈને હસતાં ત્યારે તેનું શરીર સળગી જતું. કુસુમ માત્ર રડતી  રહેતી. માનસીને થયું કે હવે તેને જીવવું જોઈએ નહીં. તેણે આત્મહત્યાનો નિર્ણય કરી લીધો.
અંધારું  ઊતરી ચૂક્યું હતું. માનસી ધીરેથી ઘર બહાર નીકળી. ગામની બહાર નદી વહેતી હતી. તેણે નિર્ણય કરી લીધો કે તે નદીમાં કૂદીને જીવ આપી દેશે. જેવી એ કૂદવા જતી હતી ત્યાં કોઈએ પાછળથી પકડી લીધી.
''આ શું કરે છે, માનસી. જીવન ખૂબ જ કિંમતી છે. એને શા માટે ટૂંકાવે છે?'' માનસીએ પાછું વાળીને જોેયું તો બાળપણનો મિત્ર નવિન ઊભો હ તો. તે કામ પરથી પાછો ફરી રહ્યો હતો. તેને જોતાં જ માનસી હૈયા પર કાબૂ રાખી શકી નહીં. તેણે મંથનની દગાબાજીની પૂરેપૂરી વાત કહી. ''નવિન બોલ્યો,'' બધી વાત ભૂલી જા. હું તને બાળપણથી પ્રેમ કરું છું. આજે પણ મારા સપનામાં તું જ છે. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું.''
''ના નવિન, હવે હું મો દેખાડવા લાયક રહી નથી. મંથનની દગાબાજીને કારણે આ મારા પેટમાં ગર્ભ રહી ગયો છે.'' માનસી બોલી.
''એમ ન કહે માનસી. એ તારું બાળક છે એટલે મારું પણ છે.'' બંને માનસીના ઘરે પહોેંચ્યા કુસુમની રજા લઈ બંનેએ તેની જ સામે એકબીજાનાં ગળામાં હાર પહેરાવી લગ્ન કરી લીધાં. માનસી હવે નવિનના ઘરમાં રહેવા લાગી. ગામમાં બ્રાહ્મણોમાં હાહાકાર મચી ગયો. શાસ્ત્રી શંભુનાથે પંચાયત બોલાવી. પંચોએ ફેંસલો કર્યો કે નવિનને જીવતો સળગાવી દેવો. રાતમાં કોઈપણ રીતે માનસી અને નવિન ગામમાંથી બચીને ભાગી છૂટયાં. ગામની પંચાયત અને સડેલા જૂના વિચારોમાંથી મુક્તિ મેળવવા એકબીજાનો હાથ પકડી બીજી દુનિયા તરફ ચાલી નીકળ્યાં. જ્યાં તેમને કોઈ ઓળખતું નહોતું. બસ, ત્યાં સુખ જ સુખ હતું.

Sent from my h.mangukiya

શનિવાર, 16 નવેમ્બર, 2013

માથું આપે તે મિત્ર!

   
સારંગપુર, સુંદર મજાનું રળિયામણું ગામ હતું. તે ગામમાં સૌભાગ્યચંદ શેઠ રહે. ગામ આખામાં શેઠની આબરૃ, માન-મોભો મોટો. પૈસેટકે ખૂબ જ સુખી. સૌભાગ્યચંદને સંતાનમાં એક જ પુત્ર. તેનું નામ બુધ્ધિધન. શેઠ-શેઠાણીએ એકનો એક પુત્ર હોઈ અતિ લાડ-પ્યાર, જતનથી તેને ઉછેર્યો હતો.
બુધ્ધિધન ધનિક મા-બાપનું સંતાન. લાડ-કોડમાં ઉછરેલો, તેથી સ્વાભાવિકપણે જ પૈસાની તેને ગણતરી ન જ હોય! એક રૃપિયો વાપરવાનો હોય ત્યાં તે સો રૃપિયા ખર્ચી નાખતો. ગોળ જોઈને મંકોડા ઊભરાય તેમ બુધ્ધિધની આસપાસ મિત્રો ઉમટવા લાગ્યા. 'જેનો હાથ 'પોલો' એનો 'જગ' ગોલો! બુધ્ધિધન ગોઠીયાઓ સંગાથે મોજ-શોખ પાછળ પાણીની જેમ લક્ષ્મી વેડફવા લાગ્યો. તેની આવી હરકતો શેઠથી અજાણી ન હતી. પણ અતિ લાડ-પ્યારમાં તે પુત્રને કશીજ રોક-ટોક કરતા નહીં. આથી બુધ્ધિધનને તો છૂટો દોર મળી ગયો.
સૌભાગ્યચંદ શેઠ. વાણિયાનો દીકરો. ચતુરાઈ તો એના બાપની જાગીર! એણે મનોમન વિચાર કર્યો. 'બેઠા બેઠા તો રાજાના ભંડાર પણ ખૂટી જાય છે! મારા દીકરા બુધ્ધિધનને એવો 'પાઠ' ભણાવું, જેથી કરીને એ સુધરી જાય! એની ગાડી પાટે ચડી જાય! દિવસ આખો તેમને દીકરાની જ ચિંતા કોરી ખાતી હતી. વિચાર મંથનને અંતે એક 'કીમિયો' જડી ગયો.
મનમાં ઘોળાતી વાત સૌભાગ્યચંદ શેઠે જમતા જમતા પુત્ર સમક્ષ રજુ કરી જ દીધી. 'બેટા બુધ્ધિધન, મારે તને એક 'અગત્ય'નું કામ સોંપવું છે.
બુધ્ધિધન પણ ડાહીમાનો દીકરો. તેણે પિતાની વાતને અનુમોદન આપતાં કહ્યું, ''ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞાા...''
બાપ પણ કોઠા ડાહ્યો હતો. તેણે દીકરાને પ્રેમથી, હેતથી પૂછ્યું ઃ 'તારે મિત્રો તો હશે જ...' શેઠે પુત્રને પાનો ચડાવતાં કહ્યું.
''પિતાશ્રી, તમે એકવાર 'કામ' તો સોંપો, પછી જુઓ આ ભાયડાના ભડાકા.''
'તારી આવડત હોંશિયારીમાં મને ગળા સુધીનો વિશ્વાસ છે જ. એટલે તો તને આ કામ ચીંધું છુંને? તારે જઈને તારા જિગરજાન મિત્ર પાસેથી ઊછીના પૈસા લઈ આવવાના છે!'
'તમેય શું પિતાજી! આજે કાં આવી 'ટીખળ' કરવા બેઠા! આપણે વળી પૈસાની ક્યાં ભૂખ છે?'
'વડીલો જે કાંઈ કાર્યનો આદેશ આપે એની પાછળ તારું શ્રેય હોય!'
'મને તો તમારી આ વાત ગળે જ ઊતરતી નથી.'
'તું પહેલા તારા મિત્રો સમીપ જા, અને કહે કે મારે પાંચ હજાર રૃપિયાની ખાસ જરૃર છે. મને ગમે તેમ કરીને આટલી સગવડ કરી દો. હું તમને અઠવાડિયામાં એ પૈસા પરત કરી દઈશ. એની હું ખાતરી આપું છું.'
'તમારો આગ્રહ જ છે તો અબઘડી લાવી આપું. આ તો મારે માટે 'ડાબા હાથનો ખેલ છે' કહી બુધ્ધિધન મિત્રોને ત્યા જવા ઉતાવળે ડગ ભરી ગયો.'
જેમ જેમ તે એક પછી એક દોસ્તારને મળતો ગયો તેની ભ્રમણા ભાંગી ગઈ.
પિતાજીએ જે કાર્ય સોંપ્યું હતું તે ધાર્યા કરતા ઘણું જ કઠીન-કપરું હતું! લોઢાના ચણા ચાવવા બરાબર હતું. સવારથી સાંજ ઢળવા આવી. મિત્રોના દ્વાર ખખડાવતો અહીં-તહીં ભટકતો રહ્યો! પણ તેને સફળતા ન મળી! મિત્રોએ પ્રથમ તો તેની વાતને હસી-મજાક સમજી ઉડાવી જ દીધી. પણ જ્યારે તેણે ગંભીરતાથી દોસ્તોને પોતાની વિપત્તિની વાત કહી અને ઉછીના પૈસા માગ્યા ત્યારે મિત્રોએ વિવિધ પ્રકારના બહાના બનાવ્યા. સાચા અર્થમાં તેની મુશ્કેલીમાં કોઈજ 'યાર' તેને મદદ કવા આગળ આવ્યો નહીં!
છેવટે હારી-કંટાળીને બુધ્ધિધન 'ખોઈ' જેવું મોઢું લઈને ઘેર પાછો ફર્યો.
તેનો ઉતરેલો ચહેરો દેખી સૌભાગ્યચંદ તો કળી ગયા કે બુધ્ધિધન શેખી મારતો હતો પણ તેના દોસ્તારે કોઈએ ખરે ટાણે મદદ કરી નથી!
સૌભાગ્યચંદે પુત્રને પોતાની પાસે બોલાવ્યો. હેતથી, વ્હાલથી તેના માથે હાથે ફેરવ્યો, અને કહ્યું ઃ 'બેટા એમાં નિરાશ, હતાશ થવાની જરૃર નથી. હું તને દુઃખી કરવા માંગતો ન હતો. પણ તને સાચા મિત્રની પરખ થઈ જાય એ માટે જ તારી પાસે તારા મિત્રોની કસોટી કરવા ચાહતો હતો. હું તો દુનિયા જોઈને બેઠો છું. આ જગતમાં સૌ કોઈ સ્વાર્થના સગા છે.
મેં મારી જિંદગીમાં કોઈને પણ મિત્ર બનાવ્યો નથી! તેમ છતાંય એક મિત્ર નામનો જ દોસ્ત છે. ચાલ મારી સંગાથે હું તને આજે આ મિત્રનો પરિચય કરાવું, જેથી તને 'સબક' મળી જાય કે 'મિત્ર હકીકતમાં કેવો હોવો જોઈએ!?' કહી સૌભાગ્યચંદ શેઠ પુત્રને સંગાથે લઈ પોતાના કહેવાતા મિત્ર રઘુવીરને ત્યાં આવ્યા.
પ્રથમ તો બાપ-દીકરાને રાતના સમયે પોતાને ત્યાં આવેલા જોઈને રઘુવીરસિંહ અચરજમાં પડી ગયો. તેણે સૌભાગ્યચંદને સ્નેહથી, ઉમળકાથી આવકારતા કહ્યું ઃ
'પધારો શેઠ. મુજ ગરીબને ત્યાં અહુરા? કહો શી સેવા કરું?'
'રઘુવીર હું તારે ત્યાં 'ખાસ કામે' આવ્યો છું.'
'ભલે શેઠ.' કહી રઘુવીર પાણીના બે ગ્લાસ ભરી આવ્યો. રઘુવીર મનોમન વિચારી રહ્યો. પણ તેય જમાનાનો ખાધેલ આદમી હતો. રાજપૂત બચ્ચો હતો. ટેકીલો અને વફાદાર. તે બાપ-દીકરાને ઓસરીમાં બેસાડીને ઘરમાં ગયો. બીજી જ ક્ષણે ઘરમાંથી બહાર આવ્યો. બોલ્યો ઃ 'શેઠ ઘરમાં પધારો...!'
રઘુવીરનો આદેશ સાંભળી બાપ-દીકરો ઘરમાં પ્રવેશ્યા. બાપ-દીકરાની આંખો આશ્ચર્યથી પહોથી થઈ ગઈ. ''ઘરના એક ખૂણામાં પૈસાની થેલી અને ઉઘાડી તલવાર પડી હતી!''
સૌભાગ્યચંદ અને પુત્ર સ્તબ્ધ બની પૈસાની થેલી અને તલવારને તાકી જ રહ્યા!
'ચાલ દીકરા...' કહી પૈસા અને તલવારને ત્યાં જ પડી રહેવા દઈ શેઠ ઘરમાંથી તેના મિત્રને ત્યાંથી સાવ ખાલી હાથે પાછા કેમ ફર્યા??
પુત્રને વિમાસણમાં પડેલો જોઈને શેઠે ચોખવટ કરી.
'રઘુવીર દોસ્તીની કિંમત જાણતો હતો. પૈસાની થેલી અને તલવારના પ્રતીકો દ્વારા એણે કહી દીધું કે 'પૈસાની જરૃર હોય તો થેલી લઈ લો અને જો મિત્રનું માથું જોઈતું હોય તો ઉઘાડી તલવાર લઈ લો. માથું આપવા મિત્ર તત્પર છે!'
પિતાજી, ખરેખર તમે અને તમારો મિત્ર રઘુવીર બન્ને કસોટીમાંથી પાર ઉતર્યા.
''મિત્ર એવો શોધવો ઢાલ સરખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય.''
- મહેરૃન્નિસા કાદરી


Sent from my h.mangukiya

લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે

લાભના કારણને જાણ્યા વિનાં લાભ માત્રને ગ્રહણ કરવો નહિ. જુઓ, લાભને લેવા જતાં શેઠને કોઈ ધૂતારો ધૂતી ગયો.
એક શેઠ અતિશય લોભી અને સ્વાર્થી હોવાથી કોઈ શુભ કાર્યમાં પણ એક પાઈ આપતો નહિ. તેમજ ઘરનાં માણસોને પણ સુખથી ખાવા દેતો નહિ. તેના જેવો વ્યાજખોર પણ કોઈ ભાગ્યે જ હશે. એક પ્રસંગે પડોશમાં રહેતા ચેક ઠગે આવી થોડાં વાસણો શેઠ પાસે માંગ્યાં. શેઠે તેને થોડા વાસણો આપ્યાં. કામ પત્યા પછી ઠગે આવી શેઠના વાસણો ઉપરાંત પાંચ - સાત વધુ વાસણો લાવી બધા વાસણો શેઠને પાછા આપ્યા. શેઠે પૂછ્યું, આ વધારાના નાના વાસણો ક્યાંથી લાવ્યા, તે અમારા નથી. ધૂતારો ઠગ બોલ્યો, શેઠજી, આપના વાસણોને છોકરા થયા. શેઠ સમજ્યો તો ખરો કે આ ખોટી વાત છે. પણ વધારાના વાસણ કોને સારા ન લાગે? તેને બધા વાસણો ઘરમાં મૂક્યા.
થોડા દિવસ પછી પેલો પાડોશી ઠગ. ધૂતારો બીજી વાર શેઠના ઘરે આવ્યો અને કહ્યું, આજે મારા ઘરે શુભપ્રસંગ છે. આથી આપના સોના-ચાંદીનાં વાસણો આપો. પ્રસંગ પતશે એટલે પાછા આપી જઈશ.
શેઠે લાલચથી સોના-ચાંદીનાં વાસણો આપ્યાં. ઘણાં દિવસો થયા પણ પેલો ઠગ વાસણો પાછા આપવા આવ્યો જ નહિ. અંતે કંટાળીને શેઠ પોતે જ તેને ત્યાં લેવા ગયા.
ત્યારે ઠગ ધૂતારો બોલ્યો, ઃ શેઠજી, આપના વાસણો તો મરી ગયા. તેમને બાળી પણ દીધા. ગઈકાલે તેમનું બારમું પણ કરી નાખ્યું. તેના ખર્ચમાં પણ થોડો ભાગ આપો તો તમારું ભલું થશે.
શેઠે કહ્યું, વાસણ કંઈ મરતા હશે? એટલે તરત જ ધૂતારો બોલ્યો, વાસણ ભાંગી જાય એટલે મરી જાય એણ જ કહેવાયને? જો વાસણ વિયાય, વાસણને છોકરા થાય તો તે મરી પણ જાયને? આવો જવાબ સાંભળી શેઠ માથું ખંજવાળતો ઘરે આવ્યો.
માટે બાલમિત્રો, જીવનમાં અતિશય લોભ કદી ન કરવો. અને ઉપરની કહેવત યાદ રાખજો.
- નૈષધ દેરાશ્રી

Sent from my h.mangukiya

બુધવાર, 13 નવેમ્બર, 2013

શેરડીનો સ્વાદ

 [काव्यांजली] 
શેરડીનો સ્વાદ

હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો.

દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું.

થોડીવારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, ‘અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો. મને થોડી મદદ કરશો?’

હાથી કહે, ‘બોલ, તારે મારી શી મદદ જોઈએ છે?’

શિયાળ કહે, ‘હું ખૂબ બીમાર છું. મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો.’

હાથી કહે, ‘એમાં શી મોટી વાત છે. એક કરતાં બે ભલા.’ કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યું. શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો. ને તેને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધીને કેટલીય શેરડી બગાડી.

શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો. ને હાથણીને કહે, ‘લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું.’ કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો. હાથણી કહે, ‘આ શેરડી નહિ પણ બળતણ માટેનાં સાંઠીકડાં છે.’ હાથી કહે, ‘હું તો શેરડી લાવ્યો છું. પણ હા, આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે. તે મને છેતરી ગયો છે.’

શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી. હાથીને આપતાં રાણી બોલી, ‘આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે.’

હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઊડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, ‘હાથીભાઈ મને જલદી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહિ કરું.’ હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઊતરી ગયો.

હાથી કહે, ‘ચાલ્યો જા અહીંથી. ક્યારેય પાછો આવીશ નહિ.’

હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો.
 [काव्यांजली]     [ટોચ]