શનિવાર, 7 ડિસેમ્બર, 2013

ભગવાન શું કરે છે ?

   
એક વાર અકબરે બીરબલને પૂછયું, ''ભગવાન શું કરે છે ?''
બીરબલે જવાબ આપતાં કહ્યું, ''જહાંપનાહ, આ સવાલનો જવાબ તો એક સામાન્ય ભરવાડ પણ આપી શકે.''
આથી બાદશાહે આવા એક ભરવાડને દરબારમાં હાજર કરવાનો હુકમ કર્યો. ભરવાડ આવ્યો. આ ગામડિયા જેવા લાગતા છોકરાને એ સવાલ પૂછવામાં આવ્યો ઃ ''ભગવાન શું કરે છે ?''
આ ભરવાડે સામો સવાલ કર્યો, ''શહેનશાહ આ સવાલ ગુરુ તરીકે પૂછી રહ્યા છે કે ચેલા તરીકે ?''
શહેનશાહે કહ્યું, ''ચેલા તરીકે.''
ભરવાડે તરત સામે ચોપડાવ્યું ઃ ''ચેલાની ઉદ્ધતાઇ તો જુઓ. તે સિંહાસન પર બેઠો છે જ્યારે ગુરુ નીચે જમીન પર ઊભા છે.''
આ સાંભળી અકબર શરમાઇ ગયા. તેઓ તરત સિંહાસન પરથી નીચે ઊતરી ગયા અને ભરવાડને શાહી પોષાક પહેરાવી સિંહાસન પર બેસાડવામાં આવ્યો આ પછી બાદશાહે ભરવાડનાં કપડાં પહેર્યાં અને તે ભરવાડ સામે ઊભા રહી બે હાથ જોડી ફરીથી એ જ સવાલ પૂછયો ઃ ''ગુરુ, ભગવાન શું કરે છે ?''
ભરવાડે જવાબ આપ્યો, ''ભગવાન ભરવાડને શહેનશાહ બનાવી દઇ શકે છે અને શહેનશાહને ભરવાડ.''
માનવ જાણે મેં કર્યું, કર તલ દૂજો કોઇ,
આદર્યાં અધૂરા રહે, હરિ કરે સો હોય.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Sent from my h.mangukiya