શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

ચતુર કાચબો - સજાને મઝામાં ફેરવી નાંખી

    એક રાજ્યમાં માણસો અને પશુ-પંખીઓ સૌ સંપીને રહેતાં હતાં.
એક દિવસ કાચબાએ કંઈક ભૂલ કરી. સિપાઈઓ તેને રાજા પાસે લઈ ગયા.
રાજાએ કહ્યું ઃ ''કાચબાને સજા કરવી જોઈએ. તેના પગે દોરી બાંધીને કાચબાને ઝાડ પર ઊંધો લટકાવો.''
કાચબો જાણે કે રાજી થયો હોય તેમ બોલી ઉઠયો ઃ ''બહુ સરસ. આમ કરવાથી મારા પેટને ગરમી મળશે. મારે એટલું જ જોઈતું હતું.''
રાજા વિચારમાં પડયો. તેણે નિર્ણય બદલીને કહ્યું ઃ 'એને જો ઊંધો લટકાવવાથી સજા થતી ના હોય તો એવી શિક્ષાનો શો અર્થ? સજા તરીકે તેની પીઠ પર લાકડીઓ મારો.'
કાચબો ખૂબ હસવા લાગ્યો. એણે રાજાને કહ્યું ઃ 'મને જેટલો મારશો તેટલી મારી પીઠ મજબૂત બનશે.'
એક દરબારીએ સૂચન કર્યું ઃ 'તેને ખુલ્લા ખેતરમાં છોડી દો.''
તરત કાચબો બોલી ઊઠયો ઃ 'વાહ વાહ! ખેતરમાં તો મારા ઘણા મિત્રો છે. તેમની સાથે રમવાની મને મઝા પડશે.'
છેવટે કંટાળીને મૂરખ રાજાએ સજા ફરમાવી ઃ 'જાવ, તેને તળાવમાં ફેંકી આવો.'
કાચબાએ હાથ જોડીને કહ્યું ઃ ''ના, ના. આવી આકરી સજા કરશો નહિ. તળાવમાં તો મગર હોય, મને તેની બહુ બીક લાગે છે.'
રાજાએ કહ્યું ઃ 'તું આ સજાને જ લાયક છે.'
સિપાઈઓ રાજાના કહેવા પ્રમાણે કાચબાને તળાવમાં ફેંકી આવ્યા.
તળાવમાં કાચબો મોજથી રહે છે. તેણે ચતુરાઈ વાપરીને સજાને મઝામાં ફેરવી નાંખી.

Sent from my h.mangukiya