શનિવાર, 16 નવેમ્બર, 2013

લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે

લાભના કારણને જાણ્યા વિનાં લાભ માત્રને ગ્રહણ કરવો નહિ. જુઓ, લાભને લેવા જતાં શેઠને કોઈ ધૂતારો ધૂતી ગયો.
એક શેઠ અતિશય લોભી અને સ્વાર્થી હોવાથી કોઈ શુભ કાર્યમાં પણ એક પાઈ આપતો નહિ. તેમજ ઘરનાં માણસોને પણ સુખથી ખાવા દેતો નહિ. તેના જેવો વ્યાજખોર પણ કોઈ ભાગ્યે જ હશે. એક પ્રસંગે પડોશમાં રહેતા ચેક ઠગે આવી થોડાં વાસણો શેઠ પાસે માંગ્યાં. શેઠે તેને થોડા વાસણો આપ્યાં. કામ પત્યા પછી ઠગે આવી શેઠના વાસણો ઉપરાંત પાંચ - સાત વધુ વાસણો લાવી બધા વાસણો શેઠને પાછા આપ્યા. શેઠે પૂછ્યું, આ વધારાના નાના વાસણો ક્યાંથી લાવ્યા, તે અમારા નથી. ધૂતારો ઠગ બોલ્યો, શેઠજી, આપના વાસણોને છોકરા થયા. શેઠ સમજ્યો તો ખરો કે આ ખોટી વાત છે. પણ વધારાના વાસણ કોને સારા ન લાગે? તેને બધા વાસણો ઘરમાં મૂક્યા.
થોડા દિવસ પછી પેલો પાડોશી ઠગ. ધૂતારો બીજી વાર શેઠના ઘરે આવ્યો અને કહ્યું, આજે મારા ઘરે શુભપ્રસંગ છે. આથી આપના સોના-ચાંદીનાં વાસણો આપો. પ્રસંગ પતશે એટલે પાછા આપી જઈશ.
શેઠે લાલચથી સોના-ચાંદીનાં વાસણો આપ્યાં. ઘણાં દિવસો થયા પણ પેલો ઠગ વાસણો પાછા આપવા આવ્યો જ નહિ. અંતે કંટાળીને શેઠ પોતે જ તેને ત્યાં લેવા ગયા.
ત્યારે ઠગ ધૂતારો બોલ્યો, ઃ શેઠજી, આપના વાસણો તો મરી ગયા. તેમને બાળી પણ દીધા. ગઈકાલે તેમનું બારમું પણ કરી નાખ્યું. તેના ખર્ચમાં પણ થોડો ભાગ આપો તો તમારું ભલું થશે.
શેઠે કહ્યું, વાસણ કંઈ મરતા હશે? એટલે તરત જ ધૂતારો બોલ્યો, વાસણ ભાંગી જાય એટલે મરી જાય એણ જ કહેવાયને? જો વાસણ વિયાય, વાસણને છોકરા થાય તો તે મરી પણ જાયને? આવો જવાબ સાંભળી શેઠ માથું ખંજવાળતો ઘરે આવ્યો.
માટે બાલમિત્રો, જીવનમાં અતિશય લોભ કદી ન કરવો. અને ઉપરની કહેવત યાદ રાખજો.
- નૈષધ દેરાશ્રી

Sent from my h.mangukiya