શનિવાર, 16 નવેમ્બર, 2013

માથું આપે તે મિત્ર!

   
સારંગપુર, સુંદર મજાનું રળિયામણું ગામ હતું. તે ગામમાં સૌભાગ્યચંદ શેઠ રહે. ગામ આખામાં શેઠની આબરૃ, માન-મોભો મોટો. પૈસેટકે ખૂબ જ સુખી. સૌભાગ્યચંદને સંતાનમાં એક જ પુત્ર. તેનું નામ બુધ્ધિધન. શેઠ-શેઠાણીએ એકનો એક પુત્ર હોઈ અતિ લાડ-પ્યાર, જતનથી તેને ઉછેર્યો હતો.
બુધ્ધિધન ધનિક મા-બાપનું સંતાન. લાડ-કોડમાં ઉછરેલો, તેથી સ્વાભાવિકપણે જ પૈસાની તેને ગણતરી ન જ હોય! એક રૃપિયો વાપરવાનો હોય ત્યાં તે સો રૃપિયા ખર્ચી નાખતો. ગોળ જોઈને મંકોડા ઊભરાય તેમ બુધ્ધિધની આસપાસ મિત્રો ઉમટવા લાગ્યા. 'જેનો હાથ 'પોલો' એનો 'જગ' ગોલો! બુધ્ધિધન ગોઠીયાઓ સંગાથે મોજ-શોખ પાછળ પાણીની જેમ લક્ષ્મી વેડફવા લાગ્યો. તેની આવી હરકતો શેઠથી અજાણી ન હતી. પણ અતિ લાડ-પ્યારમાં તે પુત્રને કશીજ રોક-ટોક કરતા નહીં. આથી બુધ્ધિધનને તો છૂટો દોર મળી ગયો.
સૌભાગ્યચંદ શેઠ. વાણિયાનો દીકરો. ચતુરાઈ તો એના બાપની જાગીર! એણે મનોમન વિચાર કર્યો. 'બેઠા બેઠા તો રાજાના ભંડાર પણ ખૂટી જાય છે! મારા દીકરા બુધ્ધિધનને એવો 'પાઠ' ભણાવું, જેથી કરીને એ સુધરી જાય! એની ગાડી પાટે ચડી જાય! દિવસ આખો તેમને દીકરાની જ ચિંતા કોરી ખાતી હતી. વિચાર મંથનને અંતે એક 'કીમિયો' જડી ગયો.
મનમાં ઘોળાતી વાત સૌભાગ્યચંદ શેઠે જમતા જમતા પુત્ર સમક્ષ રજુ કરી જ દીધી. 'બેટા બુધ્ધિધન, મારે તને એક 'અગત્ય'નું કામ સોંપવું છે.
બુધ્ધિધન પણ ડાહીમાનો દીકરો. તેણે પિતાની વાતને અનુમોદન આપતાં કહ્યું, ''ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞાા...''
બાપ પણ કોઠા ડાહ્યો હતો. તેણે દીકરાને પ્રેમથી, હેતથી પૂછ્યું ઃ 'તારે મિત્રો તો હશે જ...' શેઠે પુત્રને પાનો ચડાવતાં કહ્યું.
''પિતાશ્રી, તમે એકવાર 'કામ' તો સોંપો, પછી જુઓ આ ભાયડાના ભડાકા.''
'તારી આવડત હોંશિયારીમાં મને ગળા સુધીનો વિશ્વાસ છે જ. એટલે તો તને આ કામ ચીંધું છુંને? તારે જઈને તારા જિગરજાન મિત્ર પાસેથી ઊછીના પૈસા લઈ આવવાના છે!'
'તમેય શું પિતાજી! આજે કાં આવી 'ટીખળ' કરવા બેઠા! આપણે વળી પૈસાની ક્યાં ભૂખ છે?'
'વડીલો જે કાંઈ કાર્યનો આદેશ આપે એની પાછળ તારું શ્રેય હોય!'
'મને તો તમારી આ વાત ગળે જ ઊતરતી નથી.'
'તું પહેલા તારા મિત્રો સમીપ જા, અને કહે કે મારે પાંચ હજાર રૃપિયાની ખાસ જરૃર છે. મને ગમે તેમ કરીને આટલી સગવડ કરી દો. હું તમને અઠવાડિયામાં એ પૈસા પરત કરી દઈશ. એની હું ખાતરી આપું છું.'
'તમારો આગ્રહ જ છે તો અબઘડી લાવી આપું. આ તો મારે માટે 'ડાબા હાથનો ખેલ છે' કહી બુધ્ધિધન મિત્રોને ત્યા જવા ઉતાવળે ડગ ભરી ગયો.'
જેમ જેમ તે એક પછી એક દોસ્તારને મળતો ગયો તેની ભ્રમણા ભાંગી ગઈ.
પિતાજીએ જે કાર્ય સોંપ્યું હતું તે ધાર્યા કરતા ઘણું જ કઠીન-કપરું હતું! લોઢાના ચણા ચાવવા બરાબર હતું. સવારથી સાંજ ઢળવા આવી. મિત્રોના દ્વાર ખખડાવતો અહીં-તહીં ભટકતો રહ્યો! પણ તેને સફળતા ન મળી! મિત્રોએ પ્રથમ તો તેની વાતને હસી-મજાક સમજી ઉડાવી જ દીધી. પણ જ્યારે તેણે ગંભીરતાથી દોસ્તોને પોતાની વિપત્તિની વાત કહી અને ઉછીના પૈસા માગ્યા ત્યારે મિત્રોએ વિવિધ પ્રકારના બહાના બનાવ્યા. સાચા અર્થમાં તેની મુશ્કેલીમાં કોઈજ 'યાર' તેને મદદ કવા આગળ આવ્યો નહીં!
છેવટે હારી-કંટાળીને બુધ્ધિધન 'ખોઈ' જેવું મોઢું લઈને ઘેર પાછો ફર્યો.
તેનો ઉતરેલો ચહેરો દેખી સૌભાગ્યચંદ તો કળી ગયા કે બુધ્ધિધન શેખી મારતો હતો પણ તેના દોસ્તારે કોઈએ ખરે ટાણે મદદ કરી નથી!
સૌભાગ્યચંદે પુત્રને પોતાની પાસે બોલાવ્યો. હેતથી, વ્હાલથી તેના માથે હાથે ફેરવ્યો, અને કહ્યું ઃ 'બેટા એમાં નિરાશ, હતાશ થવાની જરૃર નથી. હું તને દુઃખી કરવા માંગતો ન હતો. પણ તને સાચા મિત્રની પરખ થઈ જાય એ માટે જ તારી પાસે તારા મિત્રોની કસોટી કરવા ચાહતો હતો. હું તો દુનિયા જોઈને બેઠો છું. આ જગતમાં સૌ કોઈ સ્વાર્થના સગા છે.
મેં મારી જિંદગીમાં કોઈને પણ મિત્ર બનાવ્યો નથી! તેમ છતાંય એક મિત્ર નામનો જ દોસ્ત છે. ચાલ મારી સંગાથે હું તને આજે આ મિત્રનો પરિચય કરાવું, જેથી તને 'સબક' મળી જાય કે 'મિત્ર હકીકતમાં કેવો હોવો જોઈએ!?' કહી સૌભાગ્યચંદ શેઠ પુત્રને સંગાથે લઈ પોતાના કહેવાતા મિત્ર રઘુવીરને ત્યાં આવ્યા.
પ્રથમ તો બાપ-દીકરાને રાતના સમયે પોતાને ત્યાં આવેલા જોઈને રઘુવીરસિંહ અચરજમાં પડી ગયો. તેણે સૌભાગ્યચંદને સ્નેહથી, ઉમળકાથી આવકારતા કહ્યું ઃ
'પધારો શેઠ. મુજ ગરીબને ત્યાં અહુરા? કહો શી સેવા કરું?'
'રઘુવીર હું તારે ત્યાં 'ખાસ કામે' આવ્યો છું.'
'ભલે શેઠ.' કહી રઘુવીર પાણીના બે ગ્લાસ ભરી આવ્યો. રઘુવીર મનોમન વિચારી રહ્યો. પણ તેય જમાનાનો ખાધેલ આદમી હતો. રાજપૂત બચ્ચો હતો. ટેકીલો અને વફાદાર. તે બાપ-દીકરાને ઓસરીમાં બેસાડીને ઘરમાં ગયો. બીજી જ ક્ષણે ઘરમાંથી બહાર આવ્યો. બોલ્યો ઃ 'શેઠ ઘરમાં પધારો...!'
રઘુવીરનો આદેશ સાંભળી બાપ-દીકરો ઘરમાં પ્રવેશ્યા. બાપ-દીકરાની આંખો આશ્ચર્યથી પહોથી થઈ ગઈ. ''ઘરના એક ખૂણામાં પૈસાની થેલી અને ઉઘાડી તલવાર પડી હતી!''
સૌભાગ્યચંદ અને પુત્ર સ્તબ્ધ બની પૈસાની થેલી અને તલવારને તાકી જ રહ્યા!
'ચાલ દીકરા...' કહી પૈસા અને તલવારને ત્યાં જ પડી રહેવા દઈ શેઠ ઘરમાંથી તેના મિત્રને ત્યાંથી સાવ ખાલી હાથે પાછા કેમ ફર્યા??
પુત્રને વિમાસણમાં પડેલો જોઈને શેઠે ચોખવટ કરી.
'રઘુવીર દોસ્તીની કિંમત જાણતો હતો. પૈસાની થેલી અને તલવારના પ્રતીકો દ્વારા એણે કહી દીધું કે 'પૈસાની જરૃર હોય તો થેલી લઈ લો અને જો મિત્રનું માથું જોઈતું હોય તો ઉઘાડી તલવાર લઈ લો. માથું આપવા મિત્ર તત્પર છે!'
પિતાજી, ખરેખર તમે અને તમારો મિત્ર રઘુવીર બન્ને કસોટીમાંથી પાર ઉતર્યા.
''મિત્ર એવો શોધવો ઢાલ સરખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય.''
- મહેરૃન્નિસા કાદરી


Sent from my h.mangukiya