મંગળવાર, 19 નવેમ્બર, 2013

વાર્તા - ચાલો દિલદાર ચાલો


   
- માનસી અને મંથન વચ્ચે ગાઢ સંબંધ બંધાતો ચાલ્યો. કોલેજમાં બંને કાયમ સાથે જ રહેતાં. દોસ્તો તેમને કોલેજની રોમિયો-જુલિયટની જોડી સાથે સરખાવતા અને એ જ નામે બોલાવતાં.









કોલેજના નાનકડા બાગમાં મંથન બેઠો હતો. તેની નજર ખાલીખમ હતી. ક્યારેક ઝાડવાં તરફ તો ક્યારેક આકાશમાં ઊડતાં પંખી  તરફ તેની નજર જતી હતી. સાંજે ગુલમહોર પર કબૂતરનું જોડું પ્રેમમાં  મશગૂલ હતું.
મંથન તેને જોઈને વિચારી રહ્યો હતો કે  ક્યારેય માનસી સાથે તેને આવી રીતે  ગપસપ કરવાની તક મળશે ખરી?
માનસી તેની કોલેજમાં સૌથી સુંદર છોકરી હતી. જ્યારે તે દાદરનાં પગથિયાં ચડતી ત્યારે ઊંડા અને ઝડપથી ચાલતાં શ્વાસના કારણે ઊંચે નીચે થતી છાતીનો ઉભાર મંથનના હૈયામાં ઉલ્કાપાત મચાવતો હતો.
રાત્રે સૂતી વખતે તે કલ્પના કરતો કે માનસી તેની બાહોમાં છે અને સવારે ઊઠતાંની સાથે જ સૌપહેલાં તેનું નામ યાદ કરતો.
ગઈકાલે તો સાહસ કરીને તેણે માનસીના પુસ્તકમાં પોતાનો પ્રેમપત્ર મૂકી દીધો. હવે શું થશે? તે વાંચશે? ફાડીને ફેંકી દેશે? ગુસ્સો કરશે? તેવા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં પાછળથી કોઈએ તેની આંખ પર હાથ મૂકી દીધો.
''કહે, હું કોણ છું?'' કોયલ જેવો અવાજ સાંભળીને તેણે પાછું વળીને નજર કરી તો આંખ પર વિશ્વાસ ન બેઠો. તેને થયું કે તે કશું સપનું તો નથી જોઈ રહ્યો ને?
પોતાના સપનાની રાણીને સામે જોઈને તેની જીભ જ જાણે સિવાઈ ગઈ.
''આજે તું ક્લાસમાં કેમ ના આવ્યો?'' માનસીએ પૂછ્યું.
''મન નહોતું.''
''જવા દે લે. આ પુસ્તક.'' આમ કહી માનસી પુસ્તક આપીને ચાલી ગઈ.
મંથનનું દિલ ધડકી  ઉઠયું. પુસ્તક ઉઘાડીને જોયું તો તેમાં એક રંગીન પત્ર દેખાયો જેમાં લખ્યું હતું.
''હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારા વિના જીવી શકું તેમ નથી. અત્યાર સુધીની તારા તરફની મારી ઉપેક્ષા તો પ્રેમની પરીક્ષા રૃપે  હતી. હરપળે તારો ચહેરો મારી નજર સામે જ રહે છે.''
તેણે પત્રને વારંવાર વાંચ્યો.  મોતી સમાન તે કિંમતી હતો. કેટલી હિંમત ભેગી કરીને માનસીએ તેના પ્રેમની મુલાકાત કરી હતી. તેના એકરારમાં અને માદક શરીરમાંતે ખોવાતો જતો હતો.
માનસી અને મંથન વચ્ચે ગાઢ સંબંધ બંધાતો ચાલ્યો. કોલેજમાં બંને કાયમ સાથે જ રહેતાં. દોસ્તો તેમને કોલેજની રોમિયો-જુલીયટની જોડી સાથે સરખાવતા અને એ જ નામે બોલાવતાં.
પ્રેમમાં ડૂબેલાં માનસી-મંથન ક્યારે એકબીજાની શારીરિક સીમા ઓળંગી ગયા એનું બેમાંથી એકને પણ ભાન રહ્યું નહીં. પરિણામે માનસીને ગર્ભ રહી ગયો. આટલી જલદી આવડી મોટી જવાબદારી માટે મંથન જરાયે તૈયાર નહોતો. તે ધીમે ધીમે દૂર થતો ગયો.
મંથનનું મન હવે માનસીથી ભરાઈ ગયું હતું. પ્રેમ તો ખાલી કહેવાની વાત હતી. મંથન જેવા નિર્લજ્જ છોકરાઓ કોઈપણ યુવતીને તેના શરીર સાથે રમવા સુધી જ પ્રેમ કરતાં અને પછી છોડી દેતાં.
જ્યારે માનસીએ મંથનને પોતાના ગર્ભ રહ્યાની વાત કરી અને તરત લગ્ન કરી લેવાં જોઈએ તેમ કહ્યું ત્યારે મંથને કહ્યું, ''ઠીક છે. હું મારા પપ્પા સાથે વાત કરી જોઈશ.''
માનસી રોજ આ સવાલ મંથનને પૂછતી. એક દિવસ તેનાથી રહેવાયું નહીં. તેણે ક્હયું, ''હવે હું વધારે દિવસો વાટ જોઈ શકું તેમ નથી. મારું પેટ ફૂલવા લાગ્યું છે. લોકોે હવે ગુસપુસ વાતો કરશે અને મારું જીવવાનું દોહ્યલું બની જશે. હવે તું જલદી કંઈ નિર્ણય લે.''
મંથન બોલ્યો, ''મેં પપ્પા સાથે વાત કરી હતી. તેમણે લગ્ન કરવાની ના કહી છે. તેમનું કહેવું છે કે  જ્યાં સુધી હું પગભર ન થાઉં ત્યાં સુધી કરાય નહીં.તું શા માટે ગર્ભપાત નથી કરાવી લેતી? હંું તેનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવવા તૈયાર છું.''
આ સાંભળીને માનસી ગુસ્સામાં આવી વિફરી બેઠી, ''તે પ્રેમ કરતાં પહેલા ંતારા પપ્પાની રજા લીધી હતી ખરી?તું એમ કેમ નથી કહેતો કે મારી મા તને દહેજ આપી શકે તેમ નથી એટલા માટે તું લગ્ન કરવા તૈયાર નથી. મને મેળવવા માટે તે માત્ર પ્રેમનો ઢોંગ કર્યો હતો. તે પ્રેમ જેવા પવિત્ર સંબંધને અભડાવ્યો છે.''
''હા, તને પામવા માટે મેં પ્રેમનું નાટક કર્યું હતું. મને શું ખબર કે વાત આટલે સુધી પહોંચી જશે? હું તો આને માત્ર રમત સમજતો હતો.'' મંથને ખંધાઈ ભરેલું હાસ્ય ચહેરા પર લાવી કહ્યું, ''રહી તારા લગ્નની વાત તો હું તારા લગ્ન એક એવા છોકરા સાથે કરાવી શકું તેમ છું, જે સરકારી નોકરી કરે છે, પરંતુ પોલિયાના શિકાર છે એટલે અત્યાર સુધી તેના લગ્ન થઈ શક્યાં નથી નહીં તો તેને ખાસું દહેજ પણ મળી શકત. બોલ... બોલ... તારી શું ઈચ્છા છે?''
આ સાંભળીને  માનસી એનો મિજાજ ગુમાવી બેઠી. તેણે મંથનને ઝૂડી નાખ્યો. તેને મારતાં મારતાં કહેવા લાગી, ''શું તું પ્રેમને મજાક સમજે છે. તું કેવો પુરુષ છે જે પોતાની પ્રેમિકાના લગ્ન બીજા પુરુષ સાથે કરાવવા ઈચ્છે છે. ધિક્કાર છે તને.'' તે રડતી રડતી  ચાલી ગઈ. માનસી એક એવા નાના ગામની છોકરી હતી જ્યાં લોકો છોકરીઓનાં ભણતરને સારી નજરે જોેતા નહોતા. માનસીના પપ્પા તો હયાત નહોતા. છતાં ગામથી દસ કિલોમીટર દૂર સાઈકલ પર કોલેજ ભણવા જતી હતી.  લોકોએ તેની માને ખૂબ સમજાવેલી, પરંતુ માનસી  જુવાન છોકરી છે. ક્યાંક કૂંડાળામાં પગ પડી જશે તો લગ્ન કર્યા વિનાની રહી જશે. વળી ભણીગણી ને તે કરશે શું? આખરે તો તેને ઘર જ સંભાળવાનું છે ને?'' માનસીની મા આવી વાતો પર હસી  દેતી. જ્યારે માનસીના પપ્પાનું અવસાન થયું હતું ત્યારે માનસીની મા કુસુમ પુત્રીના ઉજ્જવળ ભાવિ માટે રૃઢી તોડી ગામની સરકારી શાળામાં નોકરી કરવા લાગી હતી. કુસુમના ચારિત્ર્ય અંગે ગામમાં અનેક પ્રકારની વાતો થતી રહેતી, પરંતુ તેણે કોઈ તરફ ધ્યાન આપ્યું નહોતું.
માનસી નાનપણથી જ એ નિશાળમાં ભણી હતી. નવિન એ જ નિશાળનો તેજસ્વી વિદ્યાર્થી હતો.વિધવા સુધાનો એકનો એક દીકરો હતો. સુધા એ જ શાળામાં સાફસફાઈનું કામ કરતી હતી. નવિન અને માનસી બાળપણના મિત્રો હતા. નવિન કાયમ માનસીને ઘેર જઈને રમતો હતો.
એક દિવસ માનસીના ઘરમાં બાળકો 'રાજા...રાજા'ની રમત રમી રહ્યાં હતાં. નવિન રાજા બન્યો હતો માનસી મંત્રી બની હતી. આ રમતમાં  શાસ્ત્રી  શંભુનાથનો દીકરો પણ રમતો હતો તે સિપાઈ બન્યો હતો. રમતરમતમાં તેને વાગ્યું અને મોટે મોટેથી રડવા લાગ્યો.
જ્યારે શંભુનાથે આ વાતની જાણ થઈ તો તે મિજાજ ગુમાવી નવિનને મારપીટ કરવા લાગ્યો. આ જોઈ ત્યાં લોકો એકઠાં થઈ ગયાં. બધા તમાશો જોવા લાગ્યાં.
શંભુનાથ ગાળોનો વરસાદ વરસાવી નવિનને મારતો હતો, ''હરામખોર, રાજા બને છે બ્રાહ્મણના છોકરાં સાથે રમે છે. તારા બાપદાદા તો અમારા પગે પડતા હતા. હવે તું અમારી બરાબરી કરવા માંગે છે.''
ત્યાં હાજર રહેલા લોકો એટલા માટે મૂંગા રહી ટેકો આપતા હતા કે નીચલી જાતિનાં બાળકોએ બ્રાહ્મણનાં બાળકો સાથે રમીને જાણે મોટો ગુનો કર્યો હતો. નવિન બેભાન થઈ ગયો હતો. એકઠા થયેલા લોકોએ નક્કી કર્યું કે સાંજે પંચાયતમાં તેના અપરાધની સજા નવિનની મા સુધાને કરાશે.
મારપીટને લીધે નવિનની હાલત જોઈ કુસુમ અને માનસી રડવા લાગ્યાં હતાં. થોેડીવારમાં નવિનને ભાન આવ્યું. એ સમયે તેની મા દોડતી ત્યાં આવી.
દીકરાને જોઈ તેની હાલત વિચિત્ર બની ગઈ હતી. માને જોઈ નવિનની આંખમાં આંસુ આવી ગયાં, પરંતુ તે મૂંગો રહ્યો તેની મૂંગી નજરમાં મા સામે  સવાલ ઉઠતા હતા કે તેનો અપરાધ કયો હતો? પરંતુ સુધા પાસે કશો જવાબ નહોતો.
સાંજ થવા આવી. સુધાએ દીકરાને શરીર પર હળદર મધ લગાવીને સુવડાવી દીધો હતો. એ સમયે શાસ્ત્રી શંભુનાથ આવ્યો. તેણે સુધાને કહ્યું, ''આજે તારે પંચાયત સમક્ષ હાજર થવાનું છે.''
સુધા ચૂપચાપ સાંભળી રહી. સુધાને એકલી જોઈ શાસ્ત્રી થોડો નરમ બન્યો અને બોલ્યો, ''આજે પંચાયત તને તારા દીકરાના અપરાધ માટે સજા આપશે. પણ હું ઈચ્છુ તો તને દંડમાંથી છોડાવી શકું તેમ છું.''
શાસ્ત્રી તક જોઈને  સુધાની નજીક અડીને બેસી ગયો. તેણે હસીને તેના ખભા પર હાથ મૂકી, સુધાના કાનમાં જે વાત કહી તે ગરમ લાવારસ જેવી હતી. તેના આખા શરીરમાં આગ લાગી ગઈ.
તે ઝડપભેર હાથ છોડાવીને ભાગી, પરંતુ શાસ્ત્રીએ તેને પકડી, તેના ગાલ પર પોતાના હોઠ ચાંપી દીધાં. તેનો એક હાથ સુધાના શરીરના ચોક્કસ અંગોને ફંફોળવા લાગ્યો, જે તેની સાડીના મેલા એવા છેડા પાછળ હતા. એ જ સમયે સુધાના ઘરમાં ખખડાટ સાંભળી કિસને બૂમ મારી, ''શું છે સુધા?''
બૂમ સાંભળતા જ શાસ્ત્રી ઝડપભેર બહાર નીકળી ગયો. સુધા કપડાં ઠીક કરવા લાગી. તે ઝડપથી ચાલતા શ્વાસને કાબૂમાં લઈ બોલી, ''કશું નથી.''
પંચાયતમાં આખું ગામ ભેગું થયું હતું. સુધા જમીન પર બેઠી હતી. તેની નજરમાં સૂનકાર હતો. શાસ્ત્રી શંભુનાથ અને પંચાયતને તે જોેતી હતી. પંચાયતનું કામ શરૃ થયું. પોતાની હરકતમાં નિષ્ફળ ગયેલાં શંભુનાથે સુધાને ૫૦૦ રૃપિયા દંડ તથા તેના ઘરમાં એક વરસ સુધી મફતમાં કામ કરવાની સજા સંભળાવી.
પંચે કુસુમને પણ ચેતવણી આપી કે જોતે જાતપાત જોયા વિના ગમે તેવી નિશાળામાં ભણાવવાનું બંધ નહીં કરે તો તેને ગામમાંથી હાંકી કાઢવામાં આવશે.
તેણે સુધાને ચેતવણી આપી કે હવે તે નવિનને બ્રાહ્મણનાં બાળકો સાથે રમવા જવા નહીં દે. આમ માનસી અને નવિન અલગ પડી ગયાં.
પહેલાં સુધાને લોકોનાં ઘરોમાં અને નિશાળમાં કામ કરવા માટેની મજૂરીનું કામ મળતું હતું. તેમાંથી તેને બે ટંકના રોટલા મળી રહેતા હતા. સાથે નવિનના ભણતરનો ખર્ચ પણ કાઢી લેતી હતી, પરંતુ હવે તો શાસ્ત્રીના ઘરે કામ કરવાથી તેને માત્ર સાંજનું  ખાવાનું મળતું હતું. નવિનનું ભણવાનું અટકી ગયું. હવે તે ઈંટના ભઠ્ઠામાં કામ કરવા લાગ્યો હતો.
માનસી હવે બાજુના ગામની નિશાળમાં જવા લાગી હતી. સરકારી નિશાળમાં ભણાવવાનું બંધ થતાં કુસુમને હવે ખેતી પર આધાર રાખવો પડતો હતો. પરંતુ તે ગમે તે ભોગે પોતાના બાળકને ભણાવવાની ઈચ્છા રાખતી હતી.  તેનું સપનું હતું કે તેની દીકરી ડોક્ટર બને.
માનસી મેટ્રિકની પરીક્ષા પાસ કરી શાળામાં પ્રથમ નંબરે આવી. નજીકના શહેરની કોલેજમાં મંથન તેના જીવનમાં સુખનાં  વાદળ લઈને આવ્યો, એ જેટલી ગતિથી આવ્યો હતો તેનાથી  બમણી ગતિથી દુઃખ આપી ચાલ્યો ગયો.
માનસીને હવે પોતાનું જીવન નકામું લાગતું હતું. ગામના લોકો તેને જોઈને હસતાં ત્યારે તેનું શરીર સળગી જતું. કુસુમ માત્ર રડતી  રહેતી. માનસીને થયું કે હવે તેને જીવવું જોઈએ નહીં. તેણે આત્મહત્યાનો નિર્ણય કરી લીધો.
અંધારું  ઊતરી ચૂક્યું હતું. માનસી ધીરેથી ઘર બહાર નીકળી. ગામની બહાર નદી વહેતી હતી. તેણે નિર્ણય કરી લીધો કે તે નદીમાં કૂદીને જીવ આપી દેશે. જેવી એ કૂદવા જતી હતી ત્યાં કોઈએ પાછળથી પકડી લીધી.
''આ શું કરે છે, માનસી. જીવન ખૂબ જ કિંમતી છે. એને શા માટે ટૂંકાવે છે?'' માનસીએ પાછું વાળીને જોેયું તો બાળપણનો મિત્ર નવિન ઊભો હ તો. તે કામ પરથી પાછો ફરી રહ્યો હતો. તેને જોતાં જ માનસી હૈયા પર કાબૂ રાખી શકી નહીં. તેણે મંથનની દગાબાજીની પૂરેપૂરી વાત કહી. ''નવિન બોલ્યો,'' બધી વાત ભૂલી જા. હું તને બાળપણથી પ્રેમ કરું છું. આજે પણ મારા સપનામાં તું જ છે. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું.''
''ના નવિન, હવે હું મો દેખાડવા લાયક રહી નથી. મંથનની દગાબાજીને કારણે આ મારા પેટમાં ગર્ભ રહી ગયો છે.'' માનસી બોલી.
''એમ ન કહે માનસી. એ તારું બાળક છે એટલે મારું પણ છે.'' બંને માનસીના ઘરે પહોેંચ્યા કુસુમની રજા લઈ બંનેએ તેની જ સામે એકબીજાનાં ગળામાં હાર પહેરાવી લગ્ન કરી લીધાં. માનસી હવે નવિનના ઘરમાં રહેવા લાગી. ગામમાં બ્રાહ્મણોમાં હાહાકાર મચી ગયો. શાસ્ત્રી શંભુનાથે પંચાયત બોલાવી. પંચોએ ફેંસલો કર્યો કે નવિનને જીવતો સળગાવી દેવો. રાતમાં કોઈપણ રીતે માનસી અને નવિન ગામમાંથી બચીને ભાગી છૂટયાં. ગામની પંચાયત અને સડેલા જૂના વિચારોમાંથી મુક્તિ મેળવવા એકબીજાનો હાથ પકડી બીજી દુનિયા તરફ ચાલી નીકળ્યાં. જ્યાં તેમને કોઈ ઓળખતું નહોતું. બસ, ત્યાં સુખ જ સુખ હતું.

Sent from my h.mangukiya